T20 વર્લ્ડ કપના ભાગરૂપે, ઝિમ્બાબ્વેએ સ્કોટલેન્ડ સામે 5 વિકેટે મેચ જીતીને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં એક દુર્લભ સિદ્ધિ હાંસલ કરી હતી. આ મેચમાં જીત સાથે, ઝિમ્બાબ્વેએ ગ્રુપ-બી સફળતાપૂર્વક સમાપ્ત કરી અને સુપર-12માં પ્રવેશ કર્યો. નોંધનીય છે કે વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ઝિમ્બાબ્વે ટી-20 વર્લ્ડ કપના બીજા તબક્કામાં પહોંચ્યું છે. ઝિમ્બાબ્વેના ચાહકો આ સાથે જશ્ન મનાવી રહ્યા છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. જે બાદ ઝિમ્બાબ્વેએ 133 રનના નાના ટાર્ગેટ સાથે બેટિંગ શરૂ કરી હતી અને 18.3 ઓવરમાં માત્ર 5 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. કેપ્ટન ક્રેગ ઈર્વાઈને 54 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સિકંદર રઝાએ 23 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા.